Wednesday 17 August 2011

‘લાખ દુ:ખોં કી એક દવા’ શોધી કાઢ્યાનો સંશોધકોનો દાવો

 
 
-મેસેચ્યુ સેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સંશોધકોએ દવાની શોધ કરી
-સામાન્ય શરદીથી લઈને એચઆઈવી સુધીના ગંભીર રોગોની સારવારમાં આ દવા ઉપયોગી થવાનો દાવો


તબીબી સંશોધકોએ એક સાથે અનેક બીમારીઓમાં અસરકારક બની શકે તેવી દવા શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે. પેનિસિલિનની શોધ થઈ ત્યારપછીની આ સૌથી મોટી સફળતા માનવામાં આવે છે કેમકે આ દવા સામાન્ય શરદીથી માંડીને એચઆઈવી અને કોઈપણ પ્રકારના વાઈરસ સામે અસરકારક સાબિત થઈ શકે છે.

અમેરિકામાં મેસેચ્યુશેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)ના સંશોધકોની ટીમે શોધેલી આ દવાને ડ્રેકો નામ આપ્યું છે. તે બીમાર કોષોમાં પ્રવેશીને એ કોષોને જાતે જ નાશ પામવા પ્રેરે છે. આ દવા માનવીય વાઈરસ, પુખ્તવયના લોકોને થતી અમુક પ્રકારની શરદી, બાળકોને થતી તમામ પ્રકારની શરદી, ફ્લુ, પોલિયો, પેટનો દુખાવો તેમજ ઘાતક ડેન્ગ્યુ તાવ મટાડી શકવા સમર્થ હોવાનું સંશોધકોએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે ડ્રેકો આ ઉપરાંત ચોરી-અછબડાં અને એચઆઈવીની સારવાર કરવા પણ સક્ષમ છે.

બ્રિટીશ મેડિકલ નિષ્ણાતોએ આ સંશોધનને આવકાર્યું છે, પરંતુ એ સાથે ચેતવણી આપી છે કે, હજી આ દવા બજારમાં આવે તે પહેલાં તેણે ઘણાં પરિક્ષણો પાર કરવા પડશે.

ડ્રેકો કેવી રીતે કામ કરે છે?

કેટલાક વાઈરસ માનવીય કોષોને નકામા બનાવી દઈ શકે છે, પરંતુ આ દવા તેની સામે પણ રક્ષણ આપશે. કોઈ વાઈરસ હુમલો કરે ત્યારે આ નવી ટેક્નોલોજી આરએનએ પ્રોટીન તૈયાર કરશે જે એક તરફ વાઈરસને બાંધી દેશે અને તે સાથે જ બીજી તરફ ઈન્ફેકશન પામેલા કોષોને જાતે જ નાશ પામવા તરફ દોરી જશે.

No comments:

Post a Comment